રિલાયન્સની બ્રોડબેન્ડ સર્વિસ જિયો ગીગા ફાઈબર 5 સપ્ટેમ્બરે લોન્ચ થશે પણ કંપનીએ તેના પ્લાનની જાહેરાત કરી દીધી છે. સાથે જ એ પણ જણાવી દીધુ છે કે તેના માટે કેવી રીતે એપ્લાઈ કરવાનું રહેશે. જિયો ગીગા ફાઈબર પ્લાન 700 રૂપિયાથી શરૂ થઈને 10 હજાર રૂપિયા સુધીનો રહેશે. તે સિવાય જિયોએ એક વેલકમ ઓફર પણ લોન્ચ કરી છે. જેમાં જો કોઈ તે ઓફરને ખરીદશે તો તેને HD કે 4K LED TV અને 4K સેટ-અપ બોક્સ મળશે. લેન્ડલાઈન કનેક્શન પણ ફ્રી થશે. અત્યારે ખરીદવા પર ઈન્સ્ટોલેશન ચાર્જ પણ ચૂક્વવો પડશે નહીં. કેવી રીતે કરશો એપ્લાઈ જિયો ફાઈબર માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમે તેની વેબસાઈટ પર ત્રણ સ્ટેપ્સમાં રજિસ્ટ્રેશન કરી શકો છો. પહેલા પેજ પર તમારે તમારૂ સરૂનામું આપવુ પડશે. જ્યાં તમારે જિયો ફાઈબર કનેક્શન જોઈએ છે. ત્યારબાદ તમારૂ નામ, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID મેન્શન કરવું પડશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. જેને મેન્શન કર્યા પછી તમારુ રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે. તે નંબર પર જિયોના સેલ્સ રિપ્રેઝન્ટેટિવનો ફોન આવશે. કનેક્શન મેળવવા માટે તમારે આધાર કાર્ડ, વોટર આઈ-ડી, પાન કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈ પણ એક પ્રૂફ આપવુ પડશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થયા પછી જો તમારા એરિયામાં જિયો બ્રોડબેન્ડ સર્વિસ ઉપલબ્ધ હશે તો ઝડપી જ એન્જિનિયર તમારા એરિયામાં આવીને બ્રોડબેન્ડ સિસ્ટમને ઈન્સ્ટોલ કરી દેશે. 2 કલાકમાં આ શરૂ થઈ જશે. રિલાયન્સ જિયોએ કહ્યું કે શરૂઆતમાં ઈન્સ્ટોલેશન ચાર્જ પણ ફ્રી રહેશે. રિફન્ડેબલ સિક્યુરિટી ડિપોઝીટ સિવાય કોઈ પણ એડિશનલ ચાર્જ લાગશે નહી. જિયો ફાઈબર સિવાય એક લેન્ડલાઈન ફોન પણ મળશે, જેનાથી ફ્રીમાં વોઈસ કોલ કરી શકાશે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ગુજરાત સરકારે રેલવેને બજાર કિંમતના ૫૦ ટકા ભાવે ૩૧ હેક્ટર જમીનની ફાળવણી કરી છે. આ સાથે જ ગુજરાતમાં દેશની પહેલી રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટેનો માર્ગ મોકળો થયો છે. આજે ગુજરાત સરકારની કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં વાઘોડિયા નજીક આવેલા પીપળીયા ગામ પાસે આ જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ યુનિવર્સિટી રેલવેના તમામ વિભાગોને લગતી તાલીમ આપવાના વર્ગો ચલાવશે અન ેતેને લગતા અભ્યાસક્રમો પણ બનાવશે. ભારતમાં જુદાં જુદાં વિસ્તારોમાં ચાલી રહેલી રેલવેની ફેક્ટરીઓ માટે જોઈતા મેનપાવરને આ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવશે. પરિણામે ગુજરાતના સ્થાનિકોને પણ તાલીમ મળશે અને તેમને માટે રોજગારીની નવી તક નિર્માણ થશે. રેલવેમાં દર વર્ષે કર્મચારીઓની અને અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. તેને માટેનો મેનપાવર અહીંથી મળી રહેવાની સંભાવના છે. દેશની આ પહેલી રેલવે યુનિવર્સિટી હોવાનું જણાવતા તેમણે કહ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પહેલી રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમના નિર્ધારને પૂર્ણ કરવામાં ગુજરાત સરકારે તેની ભૂમિકા ભજવી છે. આ રેલવે યુનિવર્સિટીમાં હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. રેલવેને લગતી તમામ બાબતોની તાલીમ અને શિક્ષણ આપવાનું કામ આ યુનિવર્સિટી કરશે.

શહેરના કુબલિયાપરા વિસ્તારમાં પોલીસે દેશી દારૂના હાટડા પર દરોડા પાડ્યાં હતા. જે દરમિયાન 2500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. જેથી પોલીસે આથાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ઝોન-1 હેઠળ આવતા પોલીસ સ્ટેશનનાં 50 કર્મચારીઓએ જન્માષ્ટીનાં તહેવારને લઈને અલગ અલગ ટીમ બનાવી દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન 2500 લીટર આથાનો નાશ કર્યો હતો. તેમજ 36 લિટર દારૂ કબ્જે કરી ત્રણ મહિલા સહિત ચારને પકડી લીધા હતાં અને પ્રોહીબિશનના કુલ 4 કેસ નોંધવામાં આવ્યાં છે.

ગુજરાતના અન્ય શહેરો કરતાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું મહત્વ ઘણુ વધારે છે. ત્યારે શહેરનાં રેસકોર્સ મેદાનમાં આજે સાંજે 5 વાગ્યે સીએમ વિજય રૂપાણી લોકમેળાને ખુલ્લો મુકાશે. આ લોકમેળાને મલ્હાર નામ આપવામાં આવ્યું છે. 5 દિવસનાં આ લોકમેળામાં 15 લાખ જેટલા લોકો આવે તેવી શક્યતા છે. લોકમેળો ખુલ્લો મુકાયા બાદ એક કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઇ આ પ્રથમ વખત મેળાનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે. લોકમેળાનાં ઓપનિંગ પહેલા પોલીસે લોકમેળામાં ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા લોકમેળામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મેળામાં આવી હશે સુરક્ષા વ્યવસ્થા મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. આતંકી હુમલાની શંકાને આધારે મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્તની ફાળવણી આ વર્ષે ઇ બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે તેમજ મેળામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પૂરવામાં આવશે. પ્રથમવાર લોકમેળામાં વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ રાજકોટના લોકમેળામાં પ્રથમ વખત વિદેશી ટેકનોલોજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમવાર 4જી વોકી ટોકીનો ઉપયોગ થશે. વોકી ટોકીમાં વીડિયો કોલિંગ સાથે વાતચિત થશે. મહત્વનું છે કે ગત વર્ષે ઇઝરાયલ સિક્યુરિટીનો ઉપયોગ મેળામાં કરવામાં આવ્યો હતો.

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હાઈકોર્ટના આદેશ પછી હવે સીબીઆઈએ ચિદમ્બરમ સામે લુક આઉટ નોટિસ બહાર પાડી છે. આ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ તેમની સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડી ચુક્યું છે. આથી હવે જો ચિદમ્બરમ દેશ છોડવાના પ્રયાસમાં કોઈ એરપોર્ટ પર પહોંચશે તો તેમની ધરપકડ કરી લેવાશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની આગતરા જામીનની અરજી દિલ્હી હાઈકોર્ટ દ્વારા રદ્દ કરી દેવાયા પછી સીબીઆઈ અને ઈડી તેમને શોધી રહ્યા છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાને શોધી કાઢવા માટે તપાસ એજન્સીઓ તેમના મોબાઈલ ફોનનું અંતિમ લોકેશન અને સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. ચીદમ્બરમ INX મીડિયા કેસમાં વિદેશી નાણાની હેરફેરના સંદર્ભમાં આરોપી છે. હાઈકોર્ટના આદેશ પછી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, બુધવારે સુપ્રીમ કોર્ટમાં ત્રણ વખત પ્રયાસ છતાં પણ ચિદમ્બરમની અરજી સુનાવણી પર લેવાઈ ન હતી. હવે તેમની અરજી પર સુપ્રીમમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાશે. આથી, ઈડી અને સીબીઆઈએ હવે તેમની સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે.