ધ્રોલના ભૂચરમોરીના મેદાનમાં નગરપાલિકા દ્વારા તા.28થી 30 ત્રિ-દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમંત્રી, ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. ધ્રોલ નજીક આવેલા ઐતિહાસિક ભૂચરમોરીના મેદાનમાં વર્ષોથી નગરપાલિકા દ્વારા ત્રણ દિવસનો લોકમેળો યોજવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે શ્રાવણ વદ તેરસ, ચૌદસ અને અમાસ તા.28, 29, 30 એમ ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલાર વિસ્તારના આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલાર વિસ્તારના આ લોકમેળામાં ધ્રોલ-જોડિયા, જામનગર સહિત સમગ્ર હાલારમાંથી માનવમહેરામણ ઉમટી પડે છે. દર વર્ષે લાખો લોકો આ મેળાની મોજ માણે છે. આ લોકમેળાનું ઉદ્ઘાટન તા.29ના રોજ સાંજે 4 કલાકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવશે. જેની સાથે સાંસદ પૂનમબેન માડમ, માજી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા શહેર ભાજપ પ્રમુખ મગનભાઈ ભોજાણી સહિતના ઉપસ્થિત રહેશે. આ લોકમેળામાં આવવા જવાના રસ્તાઓને તાત્કાલીક માર્ગ મકાન વિભાગ તરફથી રીપેર કરવા જરૂરી છે. તેમજ ટ્રાફિક માટે ધ્રોલ શહેર તથા લોકમેળાના સ્થળે યોગ્ય રીતે કરવામાં આવી છે. એસટી દ્વારા ગ્રામ વિસ્તારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સગીર વયના યુવક-યુવતી વાહન ચલાવતાં અને અકસ્માત કરતાં પકડાય તો હવે પછી એના માબાપને આકરી સજા થશે જેમાં મોટી રકમના દંડ અને જેલનો સમાવેશ થાય છે.મોટર વ્હીકલ એક્ટમાં સુધારા રૂપે સૂચવાયેલા આ પ્રસ્તાવને લોકસભામાં બહાલી મળી હતી. માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આ જાહેરાત લોકસભામાં કરી હતી. હાલ સ્કૂલમાં ભણતાં બાળકો ટુ વ્હીલર અને ક્યારેક ફોર વ્હીલર લઇને સડક પર નીકળતા હોવાની ઘટના લગભગ રોજની થઇ પડી છે. આડેધડ વાહન ચલાવવા ઉપરાંત ગમે ત્યાં વાહન પાર્ક કરવું એ તેમની આદત બની ગઇ છે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સૂચવેલા સુધારા મુજબ હવે આવું ચાલશે નહીં. જો કે ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આ સુધારા દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારોના કોઇ અધિકાર પર તરાપ મારવા માગતી નથી. જે રાજ્ય આ સુધારો સ્વીકારવા તૈયાર ન હોય તો તેમ પરંતુ અમે આ સુધારો લાદવાના નથી. વાહન વ્યવહાર સુગમ રીતે ચાલે અને અકસ્માતો ઓછા થાય એટલેાજ અમારો હેતુ છે. એ કારણથીજ આ સુધારો રજૂ કર્યો છે. સાથોસાથ હાલના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. અગાઉ સીટબેલ્ટ નહીં બાંધનારને 100 રૂપિયા દંડ થતો હતો. કાયદામાં કરાયેલા સુધારા મુજબ હવે 1000 રૂપિયા દંડ થશે. શરાબ પીને વાહન ચલાવતાં પકડાયા તો અગાઉ 2000 રૂપિયા દંડ થતો હતો, હવે 10 હજાર રૂપિયા દંડ થશે. બેફામ વાહન હંકારનારને અગાઉ 500 રૂપિયા દંડ થતો હતો, હવે 5000 રૂપિયા દંડ થશે. આવા બીજા ઘણા સુધારા આ કાયદામાં કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયેલ વડોદરાના યુવાન રાઈફલ મેન આરીફ પઠાણના નશ્વર દેહને ગઈકાલે રાત્રે તેના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. આજે નવાયાર્ડ સ્થિત રોશન નગરના તેના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળવાની છે. નવાયાર્ડ વિસ્તારમાં શહીદની અંતિમયાત્રા દોઢ કિલોમીટર ફરશે. આ પહેલા આરીફના નિવાસ સ્થાને હજારોની સંખ્યામાં લોકો તેના અંતિમ દર્શન માટે પહોંચી ગયા છે આરીફ પઠાણનના પાર્થિવ દેહને ગઈકાલે રાત્રે 9 વાગ્યે દિલ્હીથી હવાઈમાર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આર્મીની ટ્રક વચ્ચે તિરંગા વચ્ચે શહીદ જવાનને એરપોર્ટ સંકુલમાં જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે એરપોર્ટ સંકુલ પર ‘હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા ગુંજી ઉઠ્યા હતા. તિરંગામાં લપેટાયેલા પુત્રને જોઈને પિતા એક તરફ ભાંગી પડ્યા હતા, તો બીજી તરફ તેમણે કહ્યું હતું કે, દેશ માટે જાન આપનાર આરીફ પર તેમને ગર્વ છે. વ્હાલસોયા દીકરાનો મૃતદેહ જોઈ સમગ્ર પઠાણ પરિવાર ભાંગી પડ્યો હતો. નવાયાર્ડ સ્થિત રોશન નગરમાં આવેલ તેના ઘરે આરીફનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. જ્યાં આર્મીના અધિકારીઓ સાથે હજારોની સંખ્યામાં લોકો આરીફને વિદાય આપવા સવારથી જ પહોંચી ગયા છે. અહી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. હાલ તેનો દેહ અંતિમ દર્શન માટે મૂકાયો છે, અને બપોર બાદ તેની અંતિમયાત્રા નીકળશે. બપોરે દોઢ વાગ્યે નવાયાર્ડ મસ્જિદમાં નમાઝ અદા કરાયા બાદ બે વાગ્યે તેની અંતિમયાત્રા ગોરવા કબ્રસ્તાન પહોચશે. દોઢ કિલોમીટર સુધી શહીદ જવાનની અંતિમયાત્રા ફરશે. શહીદ જવાન આરીફ પઠાણને ઈન્ડિયાના ક્રિકેટર યુસુફ પઠાણે શ્રધ્ધાંજલિ અર્પી હતી. ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને તેમના પિતા મહેબુબ ખાન પઠાણે નવાયાર્ડ સ્થિત આરીફના નિવાસસ્થાને પહોચી શ્રધ્ધાંજલિ આપી હતી. હાલ આરીફનો દેહ અંતિમ દર્શન માટે મૂકાયો છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. આવામાં ભીડને કારણે આરીફ પઠાણનો ભાઈ બેભાન ભારે આક્રંદ કરતા બેભાન થયો હતો. આસીફ પઠાણ ગરમી વધુ હોવાના કારણે ગભરામણથી બેભાન થયો હતો.

અસહ્ય બફારા અને ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આગામી 28 અને 29 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદના આગાહી કરવામા આવી છે. રાજ્ય વરસાદી માહોલ છવાયેલો છે. તેમ છતાં વાતાવરણમાં અસહ્ય બફારો છે. વરસાદ વરસી રહ્યો નથી, જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા હવામાન વિભાગે જગાવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થવાનું છે. ત્યારે 28 થી 29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ત્યારે દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીનો આ સીઝનનો સરેરાશ 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં વરસાદની સાથે તેજ તોફાનની પણ ચેતવણી આપવામાં આવી છે.

કર્ણાટકમાં વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન 14 મહિના જુની કુમારસ્વામીના નેતૃત્વવાળી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકારનું પતન થયું છે. ગૃહમાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ રહેલા મુખ્યમંત્રી કુમારસ્વામીએ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું. રાજ્યપાલે કુમારસ્વામીના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. હવે, ગૃહમાં સૌથી મોટી પાર્ટી ભાજપ આવતીકાલે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કરશે. વિધાનસભામાં વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને 99 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને 105 મળ્યા હતા. આ સાથે જ સરકાર લઘુમતિમાં આવી જતાં પડી ગઈ છે. કોંગ્રેસ-જેડીએસ સરકારને બીએસપી દ્વારા સમર્થનનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ જેડીએસના ધારાસભ્ય વિશ્વાસ મત પર મતદાનની પ્રક્રિયા દરમિયાન ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના પતનની સાથે જ રાજ્યમાં છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો હતો. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં 15 ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો અને તેમણે પોતાનું રાજીનામું સ્પીકરને સોંપી દીધું હતું. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર 23 મે, 2018ના રોજ રચાઈ હતી. 14 મહિના સુધી સત્તામાં રહેવા દરમિયાન આ સરકારમાં અનેક વિવાદો ઊભા થયા હતા અને આખરે સરકારનું પતન થયું હતું. કર્ણાટકમાં વિશ્વાસનો મત પ્રક્રિયા દરમિયાન સરકારનું પતન થઈ ગયા પછી કોંગ્રેસના નેતા એચ.કે. પાટિલે કહ્યું કે, "કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન વિશ્વાસનો મત પ્રાપ્ત કરી શક્યું નથી. અમારા ધારાસભ્યોએ અમને ધોકો આપ્યો છે જેના કારણે અમારો પરાજય થયો છે. અમારા ધારાસભ્યો અનેક લોભામણી લાલચમાં ફસાઈ ગયા હતા. કર્ણાટકના લોકો આ છેતરપીંડી સહન નહીં કરે." કુમારસ્વામીના પતન પછી ભાજપના નેતા યેદિયુરપ્પાએ જણાવ્યું કે, "કુમારસ્વામીનો પરાજય એ લોકશાહીનો વિજય છે. કુમારસ્વામીની સરકારથી કર્ણાટક પરેશાન હતું. હું કર્ણાટકના લોકોને વિશ્વાસ અપાવા માગું છું કે, હવે રાજ્યમાં વિકાસનો નવો યુગ શરૂ થશે. " કર્ણાટક ભાજપે કુમારસ્વામી સરકારના પતન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "આ કર્ણાટકની જનતાનો વિજય છે. ભ્રષ્ટ અને અપવિત્ર ગઠબંધનના યુગનો અંત આવ્યો છે. અમે તમને સ્થિર અને સક્ષમ સરકારનું વચન આપીએ છીએ. આપણે સૌ ભેગામળીને કર્ણાટકને સમૃદ્ધ બનાવીશું." આ અગાઉ વિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચામાં પોતાનો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ એક્સિડેન્ટલ મુખ્યમંત્રી છે અને હંમેશાં રાજનીતિથી દૂર રહેવા માગતા હતા. આ સાથે જ તેમણે ગઠબંધન સરકાર તુટી પડવાના સંકેત આપ્યા હતા. તેમણે રાજ્યની જનતાની માફી માગી હતી અને સ્પીકરની પણ માફી માગી હતી.

  • 1 2 3 4 5
  • NEXT