ફરી એક વખત સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. પરિવાર સાથે સુતેલી 14 વર્ષની સગીરાનું અપહરણ કરી નરાધમે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. જેથી થોરાડા પોલીસે દુધ સાગર રોડ પર રહેતા 22 વર્ષના તૌફિક રફિકભાઈ મડમ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. છેલ્લા 30 દિવસમાં સગીરા પર દુષ્કર્મનો આ ચોથો બનાવ સામે આવ્યો છે. પોલીસે ભોગ બનેલી સગીરાના માતાની ફરિયાદ પરથી આરોપી વિરૂદ્ધ પોકસો હેઠળનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે તેને ત્રણ સંતાન છે. 26મીની રાત્રે પરિવારજનો અગાસી પર સુતાં હતાં. ત્યારે રાતે 2 વાગ્યે તેની ઉંઘ ઉડતાં પથારીમાં 14 વર્ષની દિકરી જોવા મળી ન હતી. જેથી તેને તપાસ શરૂ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી ન હતી. સવારે આઠેક વાગ્યે દિકરી ઘરે આવી હતી અને રડવા માંડી હતી. તેને રડવાનું કારણ પૂછતાં સગીરાએ જણાવ્યું હતું કે રાત્રીના એકાદ વાગ્યે મને તૌફિક મડમ મોઢે ડૂચો દઈ બળજબરીથી લઈ ગયો હતો અને જબરદસ્તી કરવા માંડ્યો હતો. આ સાથે જ જણાવ્યું હતું કે મે દેકારો મચાવતાં તેને રૂમમાં ચાદર પડી હતી તેના પર પછાડી દઈ મારી સાથે બળજબરીથી દુષ્કર્મ આર્ચયું હતું. તેમજ સવારે જો કોઈને વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી કાઢી મુકી હતી. બાળાએ પોતાની સાથે ત્રણ મહિના પહેલા પણ આ રીતે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને વારંવાર મને ધમકી આપતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ કહ્યું કે કોઈપણ રીતે તેને નંબર મેળવી ફોન પર વાતો કરવા માટે દબાણ કરતો હતો. હાલ સમગ્ર મામલે પરિવારજનોએ થોરાળા પોલીસ સ્ટેશનમાં તૌફિક મડમ સામે ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તૌફિકની સગાઈ થઈ ચુકી છે અને તે રિક્ષા ચલાવે છે.