ગુજરાત માટે પ્રાણ સમાન સરદાર સરોવર-નર્મદા ડેમના દરવાજા પ્રથમ વખત ખોલવા પડયા છે ત્યારે નર્મદા નીરના વધામણા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, ચીફ સેક્રેટરી જે.એન. સીંઘ નર્મદા નિગમના ઇન્ચાર્જ ચેરમેન કે. કૈલાસનાથન સહિતના અગ્રણીઓ નર્મદા ડેમ પહોંચ્યા હતા. ગુજરાતની જીવાદોરી તરીકે જાણીતા સરદાર સરોવર આધારીત નર્મદા ડેમની સપાટીએ આજે નવો વિક્રમ સર્જી દીધો છે. બે વર્ષ પહેલા ૧૩૧ મીટર સુધી જળસપાટી થયેલ. આજે સવારે ૯ વાગ્યાની સ્થિતિએ ડેમની જળસપાટી ૧૩૧. ૪૦ મીટર થઇ ગઇ છે. ડેમના ર૩ દરવાજા રાતના બે વાગ્યે ખોલવામાં આવ્યા છે. આજે વહેલી સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, મુખ્ય સચિવ જે.એન.સિઘ, નર્મદા નિગમના કાર્યકારી અધ્યક્ષ કે.કૈલાસનાથન વગેરેએ ડેમ પર જઇ શ્રીફળ વધેરી પુજન કરી નર્મદાના નીરને આવકાર્યા હતા. નર્મદા ડેમમાં આજે સવારથી પાણીની આવક ધીમી પડી છે. ઉપરવાસના વરસાદથી આવક ચાલુ છે પરંતુ આવક અને જાવકનું પ્રમાણ સરખું છે. ૩ વર્ષ પહેલા ડેમના દરવાજા ચડાવવામાં આવેલ ત્યાર પછી પ્રથમ વખત દરવાજા ખોલવાની જરૂર પડી છે. જો પાણીની વધુ પ્રચંડ આવક થાય તો બાકીના ૭ દરવાજા પણ ખોલવાની જરૂર પડશે. નર્મદાની જળસપાટી અભુતપુર્વ થઇ જતા તેના આધારીત ગુજરાતના વિસ્તારોને પીવા માટે આવતા એકથી બે વર્ષની નિરાંત થઇ ગઇ છે. નર્મદામાં પાણીની ભારે આવકના કારણે નિચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.