રાજકોટ મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા વરસાદી પાણી ભરાવા મુદ્દે હોબાળા મચાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણઈ ભરાવવા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. પાણી કુદરતે આપ્યું પણ વરસાદી પાણીનો નિકાલ કરો તેવો કોંગ્રેસના કોર્પોરેટરોએ જણાવ્યું હતું. પોપટપરાના નાળાના અને રોગચાળાના પોસ્ટર દેખાડી વિરોધ કર્યો હતો. વિરોધ કરતા પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આથી કોંગ્રેસના કોર્પોરેટરોએ રામધૂન બોલાવતા પોલીસે પકડી પકડીને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા. કોંગ્રેસે વોકઆઉટ કરતા મામલો ગરમાયો હતો. રાજકોટમાં વરસાદ પડ્યા બાદ ત્રણ દિવસ બાદ પણ શહેરમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાઇ છે તેમજ ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે. આથી રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. જનરલ બોર્ડમાં ભાજપ કોર્પોરેટર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબ આપતા કમિશનરને વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ અટકાવ્યા હતા. પાણી મુદ્દે વખાણ નહીં પાણીએ સર્જેલી તારાજીની વાતો કરો તેનું જણાવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. વિપક્ષે પ્રિમોન્સૂન કામગીરી અંગે ચર્ચા કરવા માંગ કરી હતી પરંતુ શાસકોએ આ માંગને ઠુકરાવી હતી. જેના કારણે જનરલ બોર્ડમાં બઘડાટી બોલી હતી અને મેયરના ઓર્ડર પર વિપક્ષના કોર્પોરેટરોને ટીંગા ટોળી કરીને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. પ્રિમોન્સૂન કામગીરીની ચર્ચા કરવાની માંગ સાથે શાસક પક્ષે ચર્ચા કરવાની ના પાડતા વિપક્ષના નેતાઓ મેયર સામે નીચે વેલ પાસે બેસી ગયા હતા. જ્યારે મેયરે તમામને જનરલ બોર્ડમાંથી બહાર કાઢી મુકવા ઓર્ડર કર્યો હતો. ત્યારે ભાજપે પ્રજાલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય ન આપીને બળ પ્રયોગ દ્વારા વિપક્ષને બહાર કાઢીને એકલા હાથે જનરલ બોર્ડ ચલાવ્યું હતું. પોલીસની દાદાગીરીનો આક્ષેપ જનરલ બોર્ડમાં હોબાળો થતા પોલીસે કોંગ્રેસના તમામ કોર્પોરેટરને બહાર કાઢતા વિપક્ષે પોલીસની દાદાગીરીનો આક્ષેપ કર્યો હતો. બોર્ડમાં પપોટપરાનું નગરનાળુ મુદ્દો બન્યો હતો. અમુક રસ્તાઓ પર હજુ પાણી ઓસર્યા નથી. વોર્ડ નં. 11ના કોર્પોરેટર પારૂલબેને ઉપવાસ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. તેમજ આક્ષેપ કર્યો હતો કે, શહેરના અમુક રસ્તાઓ પર એકથી બે ફૂટ સુધીના ખાડા પડી ગયા છે. ત્રણ દિવસ બાદ પણ પાણીનો નિકાલ થયો નથી. 7 હજાર ફરિયાદનો નિકાલ ન થયાનો આક્ષેપ કર્યો છે. બાળકો શાળાએ જઇ શકતા નથી. જનરલ બોર્ડને લઇને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વીજીલન્સ, એસઆરપી અને સ્થાનિક પોલીસ ગોઠવવામાં આવી હતી.