શહેરમાં હેલ્મેટ વગર, મોબાઇલ પર વાતચીત કરતા ટુ વ્હિલર પર નીકળતા વાહનચાલકોને સીસીટીવી કેમેરામાં કેદ કરી પોલીસ દ્વારા ઇ-ચલણ ફટકારવામાં આવે છે, વિવિધ નિયમોના ભંગ બદલ ફટકારાતા ઇ ચલણથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે, પરંતુ કાયદાના દંડા સામે કોઇ અવાજ ઉઠાવી શકતું નથી, પરંતુ નિયમ તો તમામ માટે એક સમાન જ હોય, પોલીસને નિયમનો ભંગ કરવાની કોઇએ સત્તા આપી છે?, કે ખાખી વર્દીને કારણે તેમની સામે કાર્યવાહી કોણ કરે?, શહેરના ગોંડલ રોડ પરથી એક મહિલા પોલીસ વર્દીમાં ટુ વ્હિલર પર નીકળી હતી અને ચાલુ વાહને મોબાઇલ પર બિન્દાસ્ત વાતો કરતી હતી, મહિલા પોલીસનું આ કરતૂત જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધું હતું. આઠ મહિનામાં 5.98 કરોડનો દંડ પોલીસ લોકો પાસેથી વસૂલી ચૂકી છે ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતી આ મહિલાના સ્કૂટરનો નંબર પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે ત્યારે આમ નાગરિક પર નિયમના નામે દંડ ઉઘરાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ દ્રશ્ય જોઇને જવાબદાર મહિલા કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરશે કે કેમ તેના પર સહુની મીટ મંડાઇ છે. 1 જાન્યુઆરી 2019થી 26 ઓગસ્ટ સુધીમાં 5 કરોડ 95 લાખનો શહેરીજનોને દંડ ફટકારવામાં આવ્યો છે.