દીપિકા અને રણવીરના લગ્નના ફોટા તો તમે જોયા જ હશે. દીપિકાની એંગેજમેન્ટ રિંગથી લઈને તેના લગ્નના ચણિયા-ચોળી અને તેના પર મેચિંગ જ્વેલરી, આહાહા... તમને પણ એ યાદ જ હશે. પરંતુ શું તમને એ ખબર છે કે આ જ્વેલરી સુરતમાં જ તૈયાર થઈ છે. વાત જાણે એમ છે કે, દીપિકા અને રણવીરના લગ્ન માટે અપ્રૂવ્ડ જ્વેલરી બનાવવા માટે દેશના વિવિધ જ્વેલર્સ પાસે ક્વોટેશન મંગાવવામાં આવ્યુ હતુ. જેમાં સુરતના જ્વેલરને તે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. દીપિકાના લગ્નની વિવિધ સેરેમનીથી લઈને રિસેપ્શન સુધીના 7 સેટ સુરતના જ એક જ્વેલર્સને ત્યાં તૈયાર કરવામાં આવ્યા છે. દીપિકાના લગ્નની જ્વેલરી સુરતમાં તૈયાર થઈ રહી છે એ વાત જાહેર ન થઈ જાય તે વાતનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ અને આ જ કારણોસર તે સેટ તૈયાર કરનારા કારીગરોને પણ જાણ નહોતી કરવામાં આવી કે તેઓ દીપિકા માટે સેટ બનાવી રહ્યા છે. એટલુ જ નહીં પરંતુ એક અલગ જ વર્કિંગ સ્ટેશનમાં ચાર લોકોની ટીમ બનાવવામાં આવી હતી અને એક સુપરવાઈઝ સતત તેની દેખરેખ રાખી રહ્યો હતો, જેથી કોઈપણ પ્રકારની માહિતી લીક ન થાય. મુંબઈથી અપ્રૂવ્ડ થયેલી ડિઝાઈન અનુસાર 7 સેટ માત્ર 45 દિવસમાં તૈયાર કરીને આપવામાં આવ્યા હતા. આ તમામ સેટ મુંબઈ રવાના કર્યા બાદ તે બનાવનારા કારીગરોને તેની માહિતી આપવામાં આવી હતી. દીપિકાના આ ખાસ પ્રસંગ માટે તૈયાર કરાયેલા કુલ 7 સેટ પૈકી એક સેટ વિશે માહિતી આપતા તે જ્વેલરે જણાવ્યુ હતુ કે, તે સેટમાં 780 ગ્રામ વ્હાઈટ ગોલ્ડ, 280 કેરેટના કુલ 3380 નંગ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની કિંમત 4 કરોડ રૂપિયા છે.