પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કરવા માટે અમેરિકન સિંગર નિક જોનસ ભારત પહોંચી ગયા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ૨ ડિસેમ્બરના રોજ લગ્નગ્રંથીથી જોડાશે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન કઈ જગ્યા એ યોજાશે તે વાત પર અત્યાર સુધી રહસ્ય બનેલુ હતું. પરંતુ હવે પ્રિયંકા અને નિકના લગ્ન સ્થળની જાહેરાત થઈ કરી દેવામાં આવી છે. પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં યોજવામાં આવશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, નિક જોનસ અને પ્રિયંકા ચોપરાના લગ્નના અલગ-અલગ દિવસોની ઉજવણી જોધપુરના ઉમ્મેદ ભવનમાં ૨૯ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી ચાલશે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, ૨૯ નવેમ્બરના રોજ મહેંદી અને સંગીત સેરેમનીની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ ૩૦ નવેમ્બરના રોજ કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવશે. ૧ ડિસેમ્બરના રોજ પ્રિયંકાની હલ્દીનું ફંક્શન યોજાશે જેના બીજા દિવસે પ્રિયંકા અને નિકના લગ્ન યોજાશે. ઉલ્લેખનીય છે કે, નિક જોનસ ગુરુવારના રોજ દિલ્હી પહોંચી ગયા છે. પ્રિયંકા ચોપરાએ નિકનું સ્વાગત કરતા એક રોમેન્ટિક ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ પહેલા ન્યૂયોર્કમાં પ્રિયંકા ચોપરરાએ બ્રાઈડલ શાવરનો પ્રોગ્રામ રાખ્યો હતો. ત્યારબાદ તેણે બેચલર્સ પાર્ટીમાં પણ ખૂબ મજા કરી હતી.